દેશની પહેલી મહિલા બેંક માટે અમદાવાદની મહિલા બેંક બનશે રોલ મોડલ
March 02, 2013
દેશના નાણાંમંત્રી પી. ચિદમ્બરમે બજેટમાં દેશની પ્રથમ સરકારી મહિલા બેન્ક શરૂ કરવાની જાહેરાત કરી હતી. જો કે, અમદાવાદમાં છેલ્લાં ૩૯ વર્ષોથી 'શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડ' ચાલે છે જે મહિલાઓ દ્વારા અને મહિલાઓ માટે જ છે. આમ તો અમદાવાદીઓએ આ બેંક વિશે અવારનવાર સાંભળ્યું જ હશે પણ હવે જ્યારે દેશભરમાં આ પ્રકારના મોડયુલ સ્થાપવાના પ્રયાસ થઇ રહ્યા છે, ત્યારે અમદાવાદની આ સહકારી બેંક આખા દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ સાબિત થઇ શકે છે. એક સાવ નાનકડાં વિચારથી શરૂ થયેલી આ યુનિક બેંક આજે મહિલા સશક્તિકરણનું ઉત્તમ દ્રષ્ટાંત છે.
રૂ. ૭૧, ૩૨૦ની મૂડીથી શરૂઆત કરનાર મહિલા બેંક આજે રોજનું રૂ. ૧૦ કરોડનું ટર્ન ઓવર ધરાવે છે
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે બજેટમાં મહિલાઓને ખાસ રસ નથી પડતો. બચત કરતી મહિલાઓ જ્યારે પોતાની મૂડી ક્યાં રોકવી તે અંગે વિચાર કરતી હોય છે ત્યારે અલ્પશિક્ષિત મહિલાઓના એક જૂથે વર્ષો પહેલા એક નાનકડી બેંક શરૂ કરીને આદર્શ ઉદાહરણ પુરૃં પાડયું હતું. જ્યારે આજે પોતાની રોજિંદી નાની બચતમાંથી બહેનો બેંકમાં પોતાની પૂંજી જમા કરાવીને પોતાના નાના મોટાં પ્રસંગો પણ પાર પાડતી હોય છે.
સમસ્યાઓને દૂર કરવા સ્થાપી મહિલા બેંક
બેંકના જનરલ મેનેજર વંદના શાહ જણાવે છે કે, 'તે વખતે મિલ કામદારોનું મજૂર મહાજન ટેક્સ્ટાઇલ એસોશિયેશન હતું, ત્યારે મજૂર મહાજનની બહેનોનું પણ એક સંગઠન બનાવવામાં આવ્યું જેના લીડર ઇલાબહેન હતા. તે સમયે ૧૯૬૯માં બેન્કિંગ સેવાનું નેશનલાઇઝેશન થયું. જેમાં સ્થાનિક બેન્કો પર ગરીબોને સહાય આપવાની કેન્દ્રની કડક સૂચના હતી, પરંતુ તે બેન્કોને ગરીબો સુધી કેવી રીતે પહોંચવું તેનો સ્પષ્ટ ખ્યાલ ન હતો અને ધિરાણ માટે ગરીબોની પાત્રતા કેવી રીતે નક્કી કરવી તેની રીત પણ બેન્કો પાસે ન હતી. આ સ્થિતિમાં ગરીબ મહિલાઓ સુધી બેન્કની સુવિધા પહોંચાડવા મધ્યસ્થ તરીકે 'સેવા'ની સહાય લેવા બેન્ક તત્પર હતી, પરંતુ જામીન વગર ધિરાણ કેવી રીતે આપવું અને બહેનોની નિરક્ષરતા જેવા મુદ્દાઓ બેન્કિંગમાં વિવિધ તબક્કે બાધારૂપ બનતા હતા. ધિરાણ મેળવ્યા પછી કઈ બેન્કનો હપ્તો ક્યાં ભરવો તેનો બહેનોને ખ્યાલ ન હતો. નિરક્ષર મહિલાને સહી કરતા પણ ન આવડે. વળી, કેટલીક મહિલાઓ પતિનું નામ લેવામાં સંકોચ અનુભવે જેને કારણે પણ સમસ્યા સર્જાતી. મજૂર વર્ગની બહેનોનાં મેલાં ઘેલા, કપડાં જોઈને બેન્કના કર્મચારીઓને મુશ્કેલી થાય. આવી પરિસ્થિતિઓને કારણે મહિલા બેન્કનું નિર્માણ કરવાની જરૂરિયાત સર્જાઇ. જ્યારે ૨૦ મે ૧૯૭૪માં બેન્ક સ્થપાવાનું નક્કી કર્યું ત્યારે શેરની કિંમત ૧૦ રૂ. રાખી હતી. છ મહિનામાં પ્રારંભિક શેર મૂડી ૭૧,૩૨૦ રૂ. થઈ, જે ૬,૨૮૭ સભ્યો પાસેથી મેળવી હતી.'
૧૫ બાય ૩૦ની ઓરડીમાં બેંક ખુલી હતી
બેન્કની શરૂઆત વર્ષ ૧૯૭૪, ૨૦મેના રોજ લાલ દરવાજા સ્થિત મજૂર મહાજન સંઘના ભોંયરામાં ૧૫ બાય ૩૦ની ઓરડીમાં થઇ હતી. તે સમયે બેન્કમાં એક મેનેજર, એક કેશિયર, બે ક્લાર્ક સહિત પાંચ જણાનો સ્ટાફ હતો. બેન્કના ફાઉન્ડર, ચેરમેન, વાઇસ ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ ડિરેક્ટર, અન્ય ડિરેક્ટરો તથા અન્ય સ્ટાફ તરીકે બહેનો જ ફરજ બજાવી રહી છે. આ મહિલા બેંકની એક હેડ ઓફિસ અને અન્ય છ બ્રાન્ચ અમદાવાદમાં કાર્યરત છે.
આપણી પાસે આપણી બેન્ક હોવી જોઇએ
૧૯૭૩ના ડિસેમ્બરમાં 'સેવા'ની સભામાં જૂનાં કપડાંનો ધંધો કરતાં પૂરીબહેને ઇલાબહેનને પૂછયું, 'બહેન, આપણી જોડે આપણી બેન્કના હોઇ શકે?' ઇલાબહેને જવાબ આપ્યો કે, 'આપણી બેન્ક ખોલવા માટે જરૂરી પૈસા આપણી પાસે નથી'. પછી તેમણે ઉમેર્યું કે બેન્ક ચાલુ કરવા માટે બહુ મોટી મૂડીની જરૂર છે, ત્યારે જૂના કપડાં વેચતા ચંદાબહેને કહ્યું કે,'આપણે ગરીબ ખરાં, પણ કેટલા બધા છૈયે!' ચંદાબહેનને શબ્દોએ સૌને વિચારતા કરી દીધા. સૌ બહેનોને લાગ્યું આપણી પાસે આપણી બેન્ક હોવી જ જોઈએ. જે તે સમયે સપના જેવી લાગતી આ વાતે સમય જતાં નક્કર રૂપ ધારણ કર્યું.
બેન્ક બનવા પાછળના કારણો
- ભાર ઉપાડનારા, લારી ખેંચનારા ટોપલા બનાવનારાં રદ્દી વીણનારા અને ભંગાર ટીપનારાંમાં નિરક્ષરતાનું પ્રમાણ ૯૦ ટકા.
- કેટલાંક વ્યવસાયોમાં રોકાયેલી બહેનો ઝૂંપડપટ્ટીમાં રહેતી હતી.
- શ્રમજીવી બહેનો પાસે પાકા મકાનો નહોતા.
- બહેનો અભણ એટલે લખતા વાંચતા ન આવડે.
- ધંધા માટે પૈસા બીજા પાસે ઉછીના લેતા, જેનું દિવસનું દસ ટકા જેટલું ઊંચુ વ્યાજ તેઓ ચૂકવતા.
- અન્ય બેન્કોમાં તેમની નિરક્ષરતા અને બેન્કિંગ વિશેની અજ્ઞાનતાને લીધે બહેનોને અને બેન્કના કર્મચારીઓને થતી મુશ્કેલીઓ.
- તેઓ શ્રમજીવી એટલે કપડાં ગંદા હોય સમયની મર્યાદા જેવી ઘણી સમસ્યાઓ નડી.
બેન્કની સ્થાપનામાં આવેલ અડચણો
મૂડી તો મળી ગઈ પરંતુ સહકારી મંડળીના રજિસ્ટ્રાર એની નોંધણી કરવા તૈયાર નહોતા. અરજદાર મહિલાઓ, ગરીબ અને અભણ તથા છૂટક ધંધામાં રોકાયેલી રહે એટલે રજિસ્ટ્રારને મતે આ મહિલાઓની નોંધપાત્રતા ન ગણાય. રજિસ્ટ્રારે ઇલાબહેનને કહ્યું હતું કે, આ બેન્કનો વિચાર રહેવા દો. ગરીબ બાઈઓ તમારી લોન ક્યારેય ભરપાઈ નહીં કરી શકે પણ ઇલાબહેન બેન્ક બાબતે મક્કમ હતા. આખી રાત મહેનત કરીને ઇલાબહેને તે ૧૫ બહેનોને સહી કરતા શીખવ્યું. પણ રજિસ્ટ્રાર પ્રભાવિત ન થયા. પછી, ઇલાબહેને પાસબુક પર ફોટો ચોંટાડવાનું સજેશન આપ્યું ને બેન્કનું રજિસ્ટ્રેશન થયું. આમ, ઇલાબહેનની મક્કમતાને લીધે આ બેન્ક શરૂ પણ થઇ તથા ૨૦ મે ૨૦૧૩માં સફળતાપૂર્વક ૪૦માં વર્ષમાં પ્રવેશશે.
આપણે ગરીબ ખરાં, પણ કેટલા બધા છૈયે! : ઇલાબહેન ભટ્ટ
બેન્ક બનાવવા પાછળના બે મુખ્ય કારણો હતા કે એ લોકો શ્રમજીવી અને પૈસાની ખેંચ. બહેનો ધંધો કરવા માટેના સાધનો ભાડે લાવે, ધંધા માટેની મૂડી પણ ઉછીની લાવે એટલે કમાણી ખાસ ન થાય. લોન લેવામાં બહેનો અને બેન્ક બંનેને અઘરું પડતું. બેન્કના રાષ્ટ્રીયકરણ સમયે ગરીબો સુધી બેન્કને જવાની વાત, કોને ગરીબ ગણવા તેવા પ્રશ્નો ઉપસ્થિત થતાં એટલે બહેનોની પોતાની બેન્કનો કોન્સેપ્ટ આવ્યોને સંગઠનની ચંદા બહેનનું ઇન્પિરેશનલ એ વાક્ય 'આપણે ગરીબ ખરાં, પણ કેટલા બધા છૈયે!' એ મહિલા બેંકનો વૈચારિક પાયો નાખ્યો. આજે બેન્ક રોજનું દસ કરોડનું ટર્નઓવર કરે છે.'
- ઇલાબહેન ભટ્ટ, 'સેવા'ના અને 'શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડ'ના ફાઉન્ડર
બેન્કની શરૂઆતની સ્થિતિ
- શેર મૂડી રૂ. ૭૧,૩૨૦
- સભ્યો ૬,૨૮૭
- ૧૦૦ જેટલા લેજરમાં ખાતા બનાવાયા.
મહિલા બેન્કની વર્તમાન સ્થિતિ
- ૧૮૦ કરોડ રૂપિયાની કાર્યકારી મૂડી (વર્કિંગ કેપિટલ)
- એક લાખ શેર હોલ્ડર
- સાડા સાત કરોડ શેર કેપિટલ
- શરૂઆતથી અત્યાર સુધીમાં સાડા ચાર લાખ ખાતેદારો
- ૧ લાખ ૧૭ કરોડ બેંક ડિપોઝિટ
- મુખ્ય ઓફિસ લાલદરવાજા ખાતે તથા બહેરામપુરા, રખિયાલ, માધુપુરા, વાસણા, સાણંદ અને ગાંધીનગર એમ મહિલા બેંકની સાત બ્રાન્ચ છે
- એટીએમ મશીન પણ ધરાવે છે.
- ૧૫ બોર્ડ મેમ્બર, ૨૦૦ સ્ટાફ અને ૧૦૦ જેટલા બેન્ક સાથીઓ કાર્યરત છે
બેન્કની સ્થાપનાના સાક્ષી બનવાનો આનંદ છે : વંદના શાહ
'હું એકવીસ વર્ષની હતી ત્યારથી બેન્ક સાથે જોડાયેલી છું. એટલે તેની સ્થાપનાથી લઈને આજની સ્થિતિના સાક્ષી બનવાનો મને આનંદ છે. ઇલાબહેન પાસે શીખેલી કે આપણે બહેનોને આગળ લાવવી છે તો એ આપણી પાસે નહીં આવે આપણે તેમની પાસે જવું પડશે. ત્યારે અમે જે-જે ગલીમાં એક ઘર નક્કી કરતા ત્યાં બહેનો પૈસા ઉપાડવા, જમા કરાવવા આવતી. આવી રીતે દરેક વિસ્તારમાં કામ કરતા આજે અમારી એક મુખ્ય અને ૬ ગૌણ એવી શાખાઓ પણ ધરાવીએ છીએ. વળી જ્યારે મોબાઈલ નવા આવ્યા હતા ત્યારે બહેનોને ટેક્નોલોજી સાથે જોડવા મોબાઈલ લોન પણ આપી હતી. જ્યારે હોમ લોન અન્ય બેંકોને વ્યર્થ લાગતી હતી ત્યારે આ બેંકે હોમ લોન જેવી સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. સ્વાવલંબનની પેશન યોજના માટે આજે કેન્દ્ર સરકાર દ્વારા બેંક એગ્રિગેટર છે.
- વંદના શાહ, જનરલ મેનેજર - શ્રી મહિલા સેવા સહકારી બેંક લિ.
આ લોકો ચલાવે છે મહિલા બેન્ક
- જેમને બેન્કની સ્લિપ ભરતા નથી આવડતી તેવી બહેનો માટે સ્લિપ ભરનાર વ્યક્તિ રોકવામાં આવ્યા છે. પૈસા ભરવા અને ઉપાડવા માટેની લાઇનમાં અન્ય બેન્કમાં ડિસ્પ્લેમાં દર્શાવાતા નંબરની જગ્યાએ અહીં બહેનોનું નામ એનાઉન્સ કરવામાં આવે છે.
- આજે પણ ઓછું ભણેલી બહેનો અને શ્રમજીવી બહેન બેન્કમાં ફરજ બજાવે છે. જેમ કે, એસએસસી પાસ મંજુલાબહેન વાઘેલા બેન્કના સફાઇ કામદારોના લીડર હોવાની સાથે બેન્કના ચેરમેન પણ છે.
- બાકીના ડિરેક્ટર જૂના કપડાં વેચનાર, પોટલા ઊંચકીને રોજી મેળવનાર, બીડી બનાવનાર, કાગળ વીણનાર, ફેક્ટરીમાં કામદાર, અગરબત્તી બનાવનાર, શાકભાજી વેચનાર વગેરે છે.
- બોર્ડના નિયમ પ્રમાણે બોર્ડમાં બે પ્રોફેશનલ ડિરેક્ટર તરીકે એક એમડી પદે સીએ છે, મહિલા બેંકના ડિરેક્ટર ઇકોનોમી અને મેથ્સ જેવા બે વિષયમાં માસ્ટર છે.